દહેગામ તાલુકાના કરોલી ગામમાં નવી AMTS બસ સેવા શરૂ
દહેગામ તાલુકાના કરોલી ગામ માટે આજનો દિવસ એક નવી શરૂઆત લઈને આવ્યો. અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે AMTS બસ સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ બસ હવે લાલ દરવાજાથી સીધી કરોલી ગામ સુધી દોડશે, જેનાથી ગામ લોકોને અમદાવાદ શહેર સાથેનું જોડાણ વધુ સરળ બનશે.
આ પ્રસંગે ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આ નવી સુવિધાને આવકારી હતી. બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, ભાજપના તાલુકા પ્રમુખ કેતન પટેલ અને અન્ય સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અવસરના પ્રત્યાક્ષી બન્યા હતા. આ નવી બસ સેવા શરૂ થવાથી કરોલી ગામના લોકોને અમદાવાદ શહેર સુધી પહોંચવામાં સમય અને પૈસાની બચત થશે, જે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ગામના અને ઉપસ્થિત લોકોએ ધારાસભ્ય બલરાજસિંહ અને સાંસદ હસમુખભાઇનો આ સેવા બદલ આભાર માન્યો હતો.