પૂજ્ય કસ્તુરબા ગાંધીની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
પૂજ્ય કસ્તુરબા ગાંધીની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે આજે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓએ પણ પૂજ્ય કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબા ગાંધીનો જન્મ તા.૧૧ એપ્રિલ ૧૮૬૯ના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર મુકામે થયો હતો. કસ્તુરબા નિરક્ષર હોવા છતાં ગજબની કોઠાસૂઝ ધરાવતા હતા. ગાંધીજી સાથે લગ્ન થયા બાદ વર્ષ ૧૮૯૬માં તેઓ ગાંધીજી સાથે આફ્રિકા ગયા, ત્યાં અન્યાયી કાયદા સામે લડત આપી જેલવાસ પણ ભોગવ્યો. ગાંધીજીના જીવનમાં બદલાવ આવતા સંપૂર્ણ ધૈર્યથી જીવનભર તેમનો સાથ આદર્શ સહધર્મચારિણીની માફક નિભાવ્યો હતો. તા.૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ પૂનામાં જેલવાસ દરમિયાન ગાંધીજીના સાંનિધ્યમાં તેમનું નિધન થયું હતું.