અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગના શોખીનો માટે સારા સમાચાર છે. લાંબા સમય બાદ ફરી એકવાર નદીમાં બોટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. વડોદરાના હરણી બોટ લેકકાંડ બાદ બંધ થયેલી બોટિંગ સેવા ફરી શરૂ કરવા માટે કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
બોટિંગ શરૂ કરવા માટે લાયસન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે સાબરમતી નદીમાં બોટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. બોટની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ પર બોટનું વજન અને સેફ્ટી ચેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાણીની સ્થિતિ અને બોટ કેટલી ઊંડાઈ સુધી તરી શકે છે તેની પણ તપાસ કરવામાં આવી હતી.
IRS દ્વારા સ્થળ નિરીક્ષણ અને બોટિંગ સેફ્ટીનો રિપોર્ટ તૈયાર કરીને કમિશનરને સોંપવામાં આવશે. કમિશનરની મંજૂરી મળ્યા બાદ રિવરફ્રન્ટ પર બોટિંગ સેવા શરૂ કરવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓ પણ આ ટેસ્ટિંગ કામગીરીમાં જોડાયા હતા.