સુરતમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા રત્નકલાકારો માટે સરકારી શાળાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ખાનગી શાળાઓની મોંઘી ફી પોસાય તેમ ન હોવાથી વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં દાખલ કરવા માટે લાંબી કતારો લગાવી રહ્યા છે. અમરોલીની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં 500 સીટ માટે 5000થી વધુ વાલીઓએ ફોર્મ ભર્યા છે. વહેલી સવારથી જ વાલીઓ લાઈનમાં ઊભા રહીને પોતાના બાળકોના પ્રવેશ માટે પ્રયત્ન કરી રહ્યા છે.
હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓમાં ઉત્તમ શિક્ષણ અને સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વાલીઓનો વિશ્વાસ વધ્યો છે. વકીલ, ડોક્ટર, એન્જિનિયર અને સરકારી કર્મચારીઓ પણ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટે લાઈનમાં ઊભા રહ્યા છે. સરકારી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ, ગ્રાઉન્ડ જેવી સુવિધાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવવામાં આવે છે.