આતંકવાદ પર ભારતનો મોટો પ્રહાર: ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 9 ઠેકાણાં ધ્વસ્ત
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ પર કર્યો હવાઈ હુમલો, ત્રણેય સેનાઓએ સાથે મળીને પાર પાડ્યું ઓપરેશન..ભારતે મંગળવારે રાત્રે આતંકવાદ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રે લગભગ 1:30 વાગ્યે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે અને તે ભારતીય સેનાના ત્રણેય પાંખોનું સંયુક્ત ઓપરેશન હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના બહાદુર જવાનોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને પોકમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા હતા. ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી છે કે આ હવાઈ હુમલો પાકિસ્તાની સેનાની કોઈ સુવિધા પર નહીં પરંતુ ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓ પર જ કરવામાં આવ્યો હતો.
ઓપરેશન સફળ થયા બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી અને લખ્યું હતું કે, “ન્યાય થયો, જય હિન્દ.” આ ટ્વિટ દ્વારા સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીની સફળતાનો સંકેત આપ્યો હતો.
આ કાર્યવાહી ભારતના આતંકવાદ સામેના મક્કમ વલણને દર્શાવે છે અને આતંકવાદી સંગઠનોને એક સખત સંદેશ આપે છે કે ભારત પોતાની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ હુમલા બાદ સરહદ પર સુરક્ષા વધુ સઘન કરવામાં આવી છે.