આઈસક્રીમના શોખીનો ચેતજો : હેવમોર કંપનીના કોનમાંથી ગરોળી નીકળી
મણિનગરમાં મહાલક્ષ્મી કોર્નરમાંથી એક મહિલાએ હેવમોર કંપનીનો હેપ્પી ક્રોન ખરીદ્યો હતો, જે અડધો ખાઈ લીધા બાદ મોઢામાં કંઇક વિચિત્ર આવી ગયું હોવાનું લાગતાં તેમણે તે બહાર કાઢીને જોતાં જ ગરોળીની પૂંછડી હોવાનું લાગ્યું હતું. આથી મહિલાને તરત જ ઊલટીઓ થઈ હતી અને તેની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ફરિયાદને પગલે AMC ફૂડ વિભાગે આઇસક્રીમ વેચનાર મહાલક્ષ્મી પાર્લરને સીલ મારી દીધુ હતું અને પછી નરોડામાં આઇસક્રીમ ફેક્ટરીમાં તપાસ કરી જે તે બેચનો તમામ જથ્થો બજારમાંથી પરત લેવાની નોટિસ ફટકારી માત્ર ૫૦ હજારનો દંડ વસૂલી સંતોષ માન્યો છે. મહાલક્ષ્મી કોર્નર પાસે FSSAનું લાયસન્સ પણ નથી. હેવમોરના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ કિસ્સો અમારા ધ્યાન પર આવ્યો છે અને અમે હાલ આ બાબતે તપાસ હાથ ધરી રહ્યા છીએ. અમે સંબંધિત ગ્રાહકના સંપર્કમાં છીએ અને આ મામલે તલસ્પર્શી અભ્યાસ કરવાની અમે ખાતરી આપીએ છીએ. અમે હેવમોર ખાતે અમારી પ્રોડક્ટની ગુણવત્તા અને સુરક્ષાના ગ્લોબલ સ્ટાન્ડર્ડને જાળવવા અને કાળજી લેવા માટે કટિબદ્ધ છીએ.