અલુવા-સાદરા પુલનું કામ 3 વર્ષથી અધૂરું:ચોમાસામાં કામચલાઉ રસ્તો બંધ થવાની દહેશત
ગાંધીનગરના અલુવા-સાદરા વચ્ચે નિર્માણાધીન પુલની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. આ પુલનું ખાતમુહૂર્ત 2022માં કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી. વાહન ચાલકોને હાલમાં ડબલ અંતર કાપવું પડી રહ્યું છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે નદીમાં બનાવેલો કામચલાઉ રસ્તો પણ બંધ થવાની શક્યતા છે. આ સમસ્યાથી સ્થાનિક રહીશો ચિંતિત છે.સ્થાનિક આગેવાન એડવોકેટ એ.સી. ચૌધરીના જણાવ્યા મુજબ, નજીકના સમયમાં પણ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. સાદરા ખાતે આવેલા જક્ષણી માતાના પ્રાચીન મંદિરે માણસાના રાજપૂત અને ચૌધરી સમાજના લોકો બાળકોની બાબરી ઉતારવા મોટી સંખ્યામાં આવે છે. તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોની માગણી છે કે પુલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિસ્તારના લોકોની મુશ્કેલીઓનો અંત આવે.