કાગડાઓમાં કોલેસ્ટ્રોલ વધવાનું કારણ ખોરાકમાં વધુ ચીઝ અને બર્ગરનું પ્રમાણ છે
હેલ્થ :
મનુષ્યની જેમ કાગડાઓમાં પણ કોલેસ્ટ્રોલ વધે છે. તેમાં પણ શહેરમાં રહેતાં કાગડાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ન્યૂયોર્કના હેમિલ્ટન કોલેજના વૈજ્ઞાનિકો મુજબ શહેરી વિસ્તારમાં રહેતા કાગડાઓમાં કોલેસ્ટ્રોલનું સ્તર ગામડામાં રહેતાં કાગડાઓ કરતાં 5 ગણું વધારે હોય છે. આ રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ વધવાનું મુખ્ય કારણ કાગડાઓના ખોરાકમાં ચીઝ અને બર્ગરનું વધુ પ્રમાણ છે.
વૈજ્ઞાનિકોએ શહેર અને ગામડાના 140 કાગડાઓના બ્લડ સેમ્પલ લઈને તેની તપાસ કરી હતી. વૈજ્ઞાનિકોએ તેમના શરીરના માંસ અને તેમાં રહેલી ચરબીની માત્રાની તપાસ કરી હતી. આ તપાસમાં શહેરમાં વસતા કાગડાઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આ શોધમાં એમ પણ સાબિત થયું છે કે કાગડાઓમાં કોલેસ્ટ્રોલ વધવા પાછળનું મુખ્ય કારણ મનુષ્ય છે.
આ રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિક એન્ડ્રિયા ટાઉનસેન્ડે કહ્યું હતું કે ક્યારેક લોકો સામેથી ચીઝ અને બર્ગર કાગડાને ખવડાવે છે, તો ક્યારેક કાગડાઓ જમીન પર પડેલા એઠાં મૂકવામાં આવેલા ટુકડાઓ ખાઈ જાય છે. પક્ષીઓમાં પણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે, હાલમાં એ કહેવું મુશ્કેલ છે કે તેની અસર પક્ષીઓના સ્વાસ્થ્ય પર કેવી પડશે. તેની અસર લાંબાગાળે જોવા મળી શકે છે. કારણ કે, મનુષ્યમાં પણ કોલેસ્ટ્રોલના લક્ષણ લાંબાગાળે જોવા મળતા હોય છે.
રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો મતે, પક્ષીઓમાં વધી રહેલા કોલેસ્ટ્રોલ દરેક પ્રજાતિ પર અસર કરતું નથી. શહેરી વિસ્તારમાં રહેતા કાગડાઓમાં સર્વાઈવલ રેટ ઓછો જોવા મળ્યો છે. જોકે, પક્ષીઓને કોલેસ્ટ્રોલથી મુશ્કેલી પડતી નથી. કોલેસ્ટ્રોલને કારણે પક્ષીઓને માળામાં વધુ યોગ્ય રીતે રહી શકે છે. કોલેસ્ટ્રોલ વધવાના કિસ્સાઓ સ્પેનના કેનેરી આઇલેન્ડ પાસે વધુ જોવા મળ્યા હતાં, જ્યાં મનુષ્યોની વસ્તી વધારે હતી.