ડાયાબિટીસના દર્દીઓમાં પેનક્રિયાટિક (સ્વાદુપિંડ)ના કેન્સરનું જોખમ વધારે જોવા મળે છે.
હેલ્થ :
ડાયાબિટીસના દર્દીઓમાં પેનક્રિયાટિક (સ્વાદુપિંડ)ના કેન્સરનું જોખમ વધારે જોવા મળે છે. દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ ‘જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રાઇનોજી એન્ડ મેટાબોલિઝમ’ નામની જર્નલમાં તેની જાણકારી આપી છે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે પેનક્રિયાટિક કેન્સરની તપાસ કરવી મુશ્કેલ છે, તેની જાણ છેલ્લાં સ્ટેજમાં જ થાય છે. આ દરમિયાન કેન્સર અન્ય અંગોમાં પણ ફેલાઈ જાય છે. આ રિસર્ચમાં 2.5 કરોડ લોકો પર તેમના લોહીમાં રહેલા ગ્લુકોઝ અને પેનક્રિયાટિક કેન્સરના સંબંધનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
રિસર્ચમાં સામે આવ્યું હતું કે લોહીમાં સુગર લેવલ વધારે થવાથી પેનક્રિયાટિક કેન્સરનું જોખમ વધી જાય છે. આ રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિક ચેયોરયંગે એક વાતચીતમાં કહ્યું હતું કે ડાયાબિટીસ પેનક્રિયાટિક કેન્સરનું મુખ્ય પરિબળ છે. જોકે, ડાયાબિટીસ ના હોય તેવા લોકોએ પણ સાવધાની રાખવાની જરૂર છે.
રિસર્ચ જર્નલ અનુસાર, દર વર્ષે અમેરિકામાં 45,000 લોકો પેનક્રિયાટિક કેન્સરથી મૃત્યુ પામે છે. આ કેન્સરને ‘સાયલન્ટ કિલર’ પણ કહેવામાં આવે છે, કારણ કે, શરૂઆતમાં આ કેન્સરના લક્ષણોને ઓળખવા મુશ્કેલ હોય છે અને કેન્સરના છેલ્લાં સ્ટેજના લક્ષણો દરેક વ્યક્તિઓમાં જુદા-જુદા હોય છે. સામાન્ય રીતે પેનક્રિયાટિક કેન્સરમાં આ લક્ષણોનો સમાવેશ થાય છે:
* પેટના ઉપરના ભાગમાં દુખાવો થવો
* કરોડરજ્જુમાં દુખાવો
* ભૂખ ઓછી લાગવી
* ઝડપથી વજન ઘટી જાય છે
* કમળો
* નાકમાંથી લોહી પડવું
* વોમિટ
60 વર્ષથી વધુ ઉંમરના પુરુષોને આ કેન્સર થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત ધૂમ્રપાન કરવાથી, ખોરાકમાં શાકભાજી અને ફળો ના લેવાથી, ડાયાબિટીસ જેવા પરિબળો પણ પેનક્રિયાટિક કેન્સરના પરિબળો હોય છે. પેનક્રિયાટિક કેન્સરથી પીડિત દર્દીઓને તીવ્ર દુખાવો, વજન ઓછું થવું અને કમળો જેવી બીમારીઓ થાય છે. ડાયરીયા, ઍનરેક્સિયા (ભૂખ ઓછી લાગવી) અને કમળો થવાને લીધી દર્દીનું વજન ઓછું થઈ જાય છે. અમેરિકન કેન્સર સોસાયટીએ ધૂમ્રપાનને આ કેન્સર માટે 20થી 30% જવાબદાર પરિબળ ગણાવ્યું છે. સપ્ટેમ્બર 2006માં એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે, વિટામિન Dનું સેવન કરવાથી આ કેન્સરની સંભાવના ઓછી થાય છે.