ગુજરાતમાં સ્ટેમ્પ પેપરનાં કાળાબજારને નાથવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગાંધીનગર :
મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરનો કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસુલ કરી નાગરીકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતો થતી હોય છે ત્યારે રાજ્ય સરકારે નાગરીકોને પડતી મુશ્કેલીઓ દુર કરવા માટે ઈ-સ્ટેમ્પીંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી, લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીમાં ઈ-સ્ટેમ્પની સુવિધા શરૂ કરી શકાશે.
મહેસૂલ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાગરીકોને પુરી પાડવામાં આવતી સેવાઓનો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે દેશભરમાં ડીજીટલ ઈન્ડિયાનું નવતર અભિગમ દાખવ્યો છે ત્યારે ડીજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જનહિત માટે અનેક નિર્ણયો કર્યા છે. જેના પરિણામે છેવાડાના માનવીને યોજનાકીય લાભો સત્વરે મળી રહ્યાં છે ત્યારે આ નિર્ણય નાગરીકો માટે ચોક્ક્સ મદદરૂપ થશે. તેમણે ઉમેર્યુ કે, હાલ ઇ-સ્ટેમ્પીંગ રૂલ્સ-૨૦૧૪ ની જોગવાઇ મુજબ શીડયુલ બેંક, સરકાર દ્વારા નિયંત્રીત એકમો, પોસ્ટ ઓફીસો અને સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે જ ઇ-સ્ટેમ્પીંગ સુવિઘા કેંદ્ર આપી શકાતા હતાં. હાલમાં રાજ્યમાં આવા ૪૭૪ ઈ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો કાર્યરત છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે, રાજય સરકાર દ્વારા લેવાયેલ આ ક્રાંતિકારી નિર્ણયને પરીણામે નાગરિકોને સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી માટે આધુનિક સરળ, સુરક્ષિત અને કોમ્પ્યુટરાઇઝ ડીઝીટલ નવીન ટેકનોલોજીનો લાભ મળી શકશે. આ ઉપરાંત રાજયમાં અત્યારે અંદાજીત ૩૫ નેશનલાઇઝડ અને પ્રાઇવેટ બેંકો અને ૯૦ કો-ઓપરેટીવ બેંકોની તમામ શાખાઓ, ૧૨૫૯ સ્ટેમ્પ વેન્ડરો, ૫૫૦૦ કંપની સેક્રેટરી, ૧૧૫૦૦ ચાર્ટડ એકાઉન્ટસ, ૩૦૦૦ નોટરી લાયસન્સ ધારકો, ૧૮૫ નોન બેંકીગ ફાઇનાન્સ કંપની અને ૨૦,૦૦૦ CSC સેન્ટરો ખાતે ઇ-સ્ટેમ્પીંગ સુવિધાનો પરવાનો આપી શકાશે. જેથી આવી વ્યકિતઓ કે સંસ્થાઓ હવેથી ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતિ હેઠળ સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત માટે ઇ-સ્ટેમ્પીંગના કેંદ્ર તરીકે અર્થાત ઓથોરાઇઝ્ડ કલેકશન સેન્ટર તરીકે નિમણૂંક પામી શકશે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં બહોળા પ્રમાણમાં ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો શરૂ થવાથી નાગરિકો તેમની નજીકના સ્થળે, કોઇપણ સમયે સ્ટેમ્પ ડ્યુટી ભરી તેનું સ્ટેમ્પ પેપર જેવું પ્રમાણપત્ર મેળવી પોતાના લેખ સાથે જોડીને લેખની નોંઘણી કરાવી શકશે. આ પધ્ધતિમાં કોઇપણ રકમના સ્ટેમ્પ પેપર કે સ્ટેમ્પ ડ્યુટી ભરવા એક જ પ્રમાણપત્ર મેળવવાનું થતું હોવાથી વધારાની સ્ટેશનરીનો ખર્ચ બચાવી શકાશે. ઉપરાંત, ઇ-સ્ટેમ્પીંગની કાર્યવાહી ઓનલાઇન થતી હોય તથા દસ્તાવેજ નોંધવાની ગરવી સિસ્ટમ સાથે જોડાયેલ હોવાથી છેતરપીંડી કે ગેરરીતિના કિસ્સાઓ ઉપર પણ નિયંત્રણ આવશે. બહોળા પ્રમાણમાં ઇ-સ્ટેમ્પીંગ સુવિઘા કેન્દ્રો શરૂ થવાને પરીણામે સ્ટેમ્પ પેપરની સાચી કે કૃત્રિમ અછત કે તેના કાળા બજાર અને છેતરપીંડી જેવી અનિયમિતતામાંથી નાગરિકોને ખૂબ જ મોટી રાહત મળશે.