અમદાવાદ: વૈજ્ઞાનિકના ઘરમાંથી ₹19.55 લાખની ચોરી, ઘરઘાટી મહિલા ઝડપાઈ
અમદાવાદ: શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, ત્યારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડનાર એક વૈજ્ઞાનિકના ઘરે જ મોટી ચોરીનો બનાવ બન્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા વૈજ્ઞાનિક ધરા પટેલના ઘરમાંથી તેમની ઘરઘાટી મહિલા જ ₹19.55 લાખના સોનાના દાગીના અને રોકડ ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ઘરઘાટી મહિલાની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ધરા પટેલ તેમના પરિવાર સાથે ૨૨ મેના રોજ દ્વારકાના પ્રવાસે ગયા હતા. ૨૫ મેના રોજ પરત ફરતા તેમને ઘરમાંથી કુલ ₹૧૯.૫૫ લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડ ગાયબ જણાયા હતા. આ અંગે તેમણે તાત્કાલિક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસ તપાસમાં, ઘરમાં દોઢ વર્ષથી કામ કરતી ભૂમિકા સોલંકી નામની ઘરઘાટી મહિલા પર શંકા ગઈ. પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી. સામે આવ્યું કે, ભૂમિકાએ પોતાને પતિથી પીડિત હોવાનું જણાવીને ધરા પટેલ પાસેથી દયા મેળવી નોકરી મેળવી હતી, અને આ દયાનો જ લાભ ઉઠાવીને તેણે ચોરી કરી હતી.