ગુજરાતમાં આવતીકાલે ‘ઓપરેશન સિંદૂર’ પછી સરહદી વિસ્તારોમાં મેગા મોકડ્રીલ યોજાશે
ગાંધીનગર: દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષા સજ્જતા અને તાકીદની સ્થિતિમાં તંત્રની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે ભારત સરકાર દ્વારા આવતીકાલે, ૩૧ મેના રોજ, ગુજરાત સહિત પાંચ સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેગા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ૨૯ તારીખે યોજાનારી આ મોકડ્રીલ મોકૂફ રાખવામાં આવી હતી.
‘ઓપરેશન સિંદૂર’ બાદ દેશના સરહદી વિસ્તારોની સુરક્ષા તૈયારીઓનું આ મૂલ્યાંકન અત્યંત મહત્વનું મનાય છે. આ ડ્રીલમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ગુજરાત જેવા પાંચ મહત્વપૂર્ણ રાજ્યો ભાગ લેશે. ગુજરાતમાં, ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા સરહદી જિલ્લાઓમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા આ મોકડ્રીલ માટે ઉચ્ચ સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સરહદી વિસ્તારોના કલેક્ટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિ, ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે અને ડીજી સિવિલ ડિફેન્સ મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મોકડ્રીલથી આપાતકાલીન સ્થિતિમાં તંત્રના સંકલન અને પ્રતિભાવ ક્ષમતાનું મૂલ્યાંકન થશે.