મતદાર જાગૃતિ અભિયાનમાં ગાંધીનગર જિલ્લાનો ડંકો: શિક્ષક ધર્મેશ ગજ્જરનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની રામાજીનાછાપરા પ્રાથમિક શાળાના શિક્ષક અને સેક્ટર ઓફિસર શ્રી ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જર મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાનમાં ઝળક્યા છે. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ આયોજિત સ્પર્ધાઓમાં તેમણે જિલ્લા કક્ષાએ પ્રશંસનીય સિદ્ધિઓ હાંસલ કરી છે. ધર્મેશકુમાર ગજ્જરને પોસ્ટર ડિઝાઇનમાં પ્રથમ, ઓડિયો ગીત/સંદેશમાં પ્રથમ અને વિડિયો સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મળ્યું છે. તેમની આ સિદ્ધિ બદલ ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મેહુલ દવે સાહેબ દ્વારા સન્માનપત્રો અને પુરસ્કાર (ચેક) એનાયત કરાયા હતા. આ પુરસ્કારો મતદાર નોંધણી અધિકારી, 34 દહેગામ વિધાનસભા મતવિસ્તાર અને જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. શ્વેતા પંડ્યા મેડમના હસ્તે અર્પણ કરાયા, જેમણે લોકશાહીને મજબૂત બનાવવા બદલ શુભેચ્છાઓ પાઠવી. જિલ્લામાં પ્રથમ આવેલી તેમની બે કૃતિઓએ રાજ્યકક્ષાએ પણ ભાગ લઈ ગૌરવ વધાર્યું છે. યુવા મતદાર મહોત્સવ 2024/2025ની સ્પર્ધાઓમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી, તેમણે તાલુકા અને શાળાનું નામ રોશન કર્યું છે. ધર્મેશ ગજ્જરને અગાઉ પણ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક, રાજ્યકક્ષાનો ચિત્રકૂટ એવોર્ડ, વિશ્વકર્મા રત્ન એવોર્ડ, શ્રેષ્ઠ બી.એલ.ઓ. જેવા અનેક સન્માનો પ્રાપ્ત થયા છે.