મે મહિનામાં GST કલેક્શન 2.01 લાખ કરોડ થયું
સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ, મે મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન ₹2.01 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 16.4 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને, એટલે કે એપ્રિલમાં GST કલેક્શન ₹2.37 લાખ કરોડ રૂપિયા હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન નોંધાયું હતું. મે 2024માં GST કલેક્શન ₹1,72,739 કરોડ રૂપિયા હતું.
મે મહિનામાં ઘરેલુ લેવડદેવડથી કુલ GST આવક 13.7 ટકા વધીને ₹1.50 લાખ કરોડ રૂપિયા રહી છે, જ્યારે આયાત દ્વારા GST કલેક્શનમાં 25.2 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે ₹51,266 કરોડ રૂપિયા નોંધાયું છે. મે મહિનામાં કુલ સેન્ટ્રલ GST આવક ₹35,434 કરોડ રૂપિયા, સ્ટેટ GST આવક ₹43,902 કરોડ રૂપિયા અને ઇન્ટેગ્રેટેડ GST કલેક્શન લગભગ ₹1.09 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. સેસ દ્વારા ₹12,879 કરોડ રૂપિયાની આવક થઈ છે. મે મહિનામાં કુલ રિફંડ 4 ટકા ઘટીને ₹27,210 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે નેટ GST ₹1.74 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે, જે વાર્ષિક ધોરણે 20.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
રાજ્યવાર GST કલેક્શન વૃદ્ધિ:
- 17 થી 25 ટકાની વૃદ્ધિ: મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુ.
- 6 ટકા સુધીની વૃદ્ધિ: ગુજરાત, આંધ્ર પ્રદેશ અને તેલંગણા.
- 10 ટકા સુધીની વૃદ્ધિ: મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન.
આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે GST કલેક્શનમાં પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની સરખામણીમાં ગુજરાત જેવા રાજ્ય પાછળ રહી ગયા છે.