છાલા ગામમાં વૃદ્ધા પર હુમલો: આંગણવાડી વિવાદમાં હાથ ભાંગ્યો, પોલીસ તપાસ શરૂ
ગાંધીનગર: ગાંધીનગરના ચિલોડા પંથકમાં આવેલા છાલા ગામમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બની છે, જ્યાં આંગણવાડીના મહિલા કર્મચારીને અપશબ્દો બોલતા રોકવાના પ્રયાસ બદલ એક વૃદ્ધા પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં વૃદ્ધાના હાથમાં ફ્રેક્ચર થતા ચિલોડા પોલીસે સંબંધિત શખ્સ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
છાલા ગામના ખારા કુવા વિસ્તારમાં રહેતા મંગીબેન ચેલાભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ તેમના પૌત્ર સાથે ગામની આંગણવાડીએ ગયા હતા. ત્યાં હાજર ફિરોજ ગુલામહુસેન લુહાર આંગણવાડી કાર્યકર સુનીબેન ઠાકોરને અપશબ્દો બોલી રહ્યો હતો, કારણ કે તેના બાળકોને ગઈકાલે મારવામાં આવ્યા હતા. મંગીબેને ફિરોજને ગાળો બોલતો અટકાવવાનો પ્રયાસ કરતા, તે ગુસ્સે ભરાયો અને મંગીબેનનો જમણો હાથ જોરથી મચડી નાખી, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ હુમલાને પગલે મંગીબેનને જમણા હાથમાં અસહ્ય દુખાવો અને સોજો આવતા તેમના પુત્ર વિપુલભાઈ ચૌધરી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા. તબીબી તપાસમાં તેમના હાથમાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું. આ ઘટના બાદ ચિલોડા પોલીસે ફિરોજ લુહાર વિરુદ્ધ કલમ ૩૨૫ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.