વડોદરાની નવરચના સ્કૂલને ફરી બોમ્બની ધમકી: વિદ્યાર્થીઓને રજા અપાઈ, પોલીસ તપાસ
વડોદરા: શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ દ્વારા અજાણ્યા ઈસમે ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. આ સ્કૂલને આ પ્રકારે ધમકી મળવાનો આ બીજો બનાવ હોવાથી ભયનો માહોલ છવાયો છે.
ધમકી મળતાની સાથે જ સ્કૂલ તંત્રએ તુરંત પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ બળ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ તમામ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલ પરિસર અને આસપાસના વિસ્તારમાં ઘનિષ્ઠ તપાસ શરૂ કરાઈ છે. જોકે, અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, તેમ છતાં તપાસ ચાલુ છે. વાલીઓ અને સ્કૂલ સ્ટાફમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.