ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સુરતમાં રેડ એલર્ટ, મધ્ય-દક્ષિણમાં ભારે વરસાદની આગાહી
ગાંધીનગર: દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે અને ભારે વરસાદે તબાહી મચાવી છે. ઉત્તર ભારતમાં કેદારનાથ-બદ્રીનાથ જેવા ધામોના માર્ગો પર ભૂસ્ખલન થયું છે, જ્યારે હિમાચલમાં વાદળ ફાટવાથી જાનહાનિ નોંધાઈ છે. આ વચ્ચે, ગુજરાતમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે આજે ગુજરાત માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને, ગુજરાતના ડાયમંડ સિટી સુરત છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદની ઝપેટમાં છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે સુરતમાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. આ ઉપરાંત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.