પાકિસ્તાન, શ્રીલંકા કે નેપાળમાં કરન્સી તૂટી નથી તો ભારતનો રૂપિયો કેમ તૂટી રહ્યો છે ?
અમદાવાદ :
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમયે ગુજરાતના ખૂબ જ લોકપ્રિય મુખ્યમંત્રી હતા એ સમયે તેઓ એ કેન્દ્રની કોંગ્રેસની (યુપીએ) સરકારના છોતરા કાઢી નાખતા અનેક ભાષણ આપ્યા હતા તેમજ જાહેર સભાઓમાં કેન્દ્ર સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. એક વખત નરેન્દ્ર મોદીએ ભારતની કરન્સીના મુદ્દે કેન્દ્ર સરકારની આલોચના કરી હતી જેની વીડિયો ક્લીપીંગ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઇ છે.
આમ તો આ ક્લિપિંગ માત્ર એક મિનિટ અને 24 સેકન્ડની જ છે જેમાં એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ જ ગુસ્સા સાથે જણાવ્યું હતું કે રૂપિયો ઘટવાનું આ રીતે થઇ ન શકે હું પણ શાસનમાં બેઠો છું મને ખબર છે કે રૂપિયો આટલી ઝડપથી ઘટી શકે નહીં. અરે નેતાઓનો રૂપિયો ઘટતો નથી, બાંગ્લાદેશ, પાકિસ્તાન કે શ્રીલંકાની કરન્સી પણ આ રીતે ઘટતી નથી તો પછી એવું કયું કામ છે કે હિન્દુસ્તાનનો રૂપિયો પાતળો થઇ રહ્યો છે એટલે કે રૂપિયો ઝડપથી શા માટે ઘસાઈ રહ્યો છે તેનો જવાબ શાસકોએ આપવો પડશે, દેશ તમારી પાસે આનો જવાબ માગી રહ્યો છે.
અત્રે નોંધનીય એ છે કે આજે ડોલરની સામે રૂપિયો વધુ ઘટીને 72 પર આવી ગયો હતો. છેલ્લા પાંચ વર્ષે અમેરિકન ડોલર સામે રૂપિયો ખૂબ જ નબળો પડ્યો છે. ભારતમાં આર્થિક મંદી પણ શરૂ થઈ ગઈ છે, જીડીપીનો આંકડો પણ ઘટીને માત્ર પાંચ પર પહોંચી ગયો છે.
ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ અનેક વખત તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘની રૂપિયાના મુદ્દે ભરપેટ ટીકાઓ કરી હતી. હવે સોશિયલ મીડિયા પર દેશના નાગરિકો તેમની આજ વીડીયો ક્લીપીંગ વાયરલ થઇ રહ્યા છે, એટલું જ નહિ પ્રશ્ન પૂછી રહ્યાં છે કે હવે તો તમે પોતે જ કેન્દ્રમાં સત્તા પર છો તો જવાબ આપો કે શા માટે રૂપિયો આટલો ઝડપથી ઘટી રહ્યો છે?