ARAVALLIમાં ચોમાસા પહેલા પુલોનું ‘હેલ્થ ચેકઅપ’: કલેક્ટરના નેતૃત્વમાં સુરક્ષા અભિયાન
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાને પગલે, અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા પુલોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ટીમે આજે હિંમતનગર-રણાસણ-શિકા રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ ની સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું.
આ કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના મુજબ, જિલ્લામાં આવેલા નબળા કે ક્ષતિગ્રસ્ત પુલોની સલામતી અને વાહનવ્યવહાર માટે યોગ્યતા ચકાસવાના ભાગરૂપે કરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તકના તમામ પુલોનું પ્રાથમિક નિરીક્ષણ મામલતદાર, પ્રાંત અધિકારી અને કાર્યપાલક ઇજનેર દ્વારા પણ કરવામાં આવ્યું છે. આ નિરીક્ષણમાં પુલોનું સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ, તિરાડો, જંગ, અને તાત્કાલિક કાર્યવાહીની વિગતો સહિતનો સ્ટેટ્સ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. જો કોઈ પુલ જોખમી જણાશે, તો તેને તાત્કાલિક બંધ કરીને સુરક્ષા માટે બેરિકેડિંગ અને ચિહ્નો મૂકવામાં આવશે, જેથી કોઈ અકસ્માત ટાળી શકાય. આ ઇનિશિયેટિવ (initiative) નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વનું પગલું છે.