માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ અધિક્ષકનું પદ હેડ ક્લાર્ક કરી દેવાતાં કર્મચારીઓમાં આક્રોશ
ગાંધીનગર :
માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ અધિક્ષક પોસ્ટ નું હેડ ક્લાર્ક નામાભિધાન થતા વર્ષો જૂના અનેક કર્મચારીઓને અન્યાય થતો હોવાની રાવ ઉઠી છે. માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-૩ તરીકે મંજૂર થયેલી મદદનીશ અધિક્ષક જગ્યામાં હાયર લેવલ ની પરીક્ષા લેવાતી ન હતી. જોકે હેડ ક્લાર્ક નામાભિધાન થતાં હવે હાયર લેવલની પરીક્ષા આપવાની નોબત આવી છે. જેમાંથી સરકારમાં ૨૦-૨૦ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે અને મળવાપાત્ર લાભોથી વંચિત રહી જાય તેવી સ્થિતિ છે. કેટલાક કર્મચારીએ તો ઉચ્ચતર નો લાભ પણ મેળવી લીધો છે. આવા કિસ્સાઓમાં મોટી રિકવરી પણ નીકળે તેમ છે.
માર્ગ મકાન વિભાગ દ્વારા ૨૮ મે ના રોજ એક ઠરાવ કર્યો છે, જેમાં મદદનીશ અધિક્ષક વર્તુળ કે વિભાગ વર્ગ- ૩ ની જગ્યાઓને હવે હેડ ક્લાર્ક-૩ નામાભિધાન કરાયું છે. વિભાગ હસ્તકની તમામ વર્તુળ કચેરીઓમાં હેડ ક્લાર્ક વર્ગ- ૩ સંવર્ગ ની જગ્યાઓ સીધી ભરતી કે બઢતીથી ભરવા માટે સામાન્ય વહીવટ વિભાગના કોમન ભરતી નિયમો, સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા નિયમો, પૂર્વ સેવા તાલીમ અને તાલીમાંત પરીક્ષા નિયમો તેમજ ખાતાકીય પરીક્ષાના નિયમો ધ્યાને લેવાનું નક્કી કર્યું છે. જૂનિયર ક્લાર્ક માંથી સિનિયર ક્લાર્ક અને ત્યાર બાદ એક ઉચ્ચ બઢતી એટલે હેડ ક્લાર્કની કેડર નો વર્ગ-૩ માં જ સમાવેશ થયેલો છે. ત્યારે ૨૦-૨૦ વર્ષથી ફરજ બજાવતા સિનિયર ક્લાર્કો ને પ્રમોશન માટે હાયર લેવલ ની ખાતાકીય પરીક્ષા આપવી પડે તેમ છે. જે કર્મચારીઓ ૨૦૦૪ પહેલાંથી ફૂલ પગારમાં ભરતી થયેલા છે.