સુરતના હજીરા નજીક હેલિકોપ્ટરમાંથી ત્રણ શંક્સ્પદ લોકો ઉતર્યાની આશંકા : સર્ચ ઓપરેશન શરૂ કરાયું
સુરત :
સુરતના હજીરા વિસ્તારમાં હેલિકોપ્ટરમાંથી ત્રણ સંદિગ્ધ લોકો ઉતર્યા હોવાના ઇનપુટ મળતા ખળભળાટ મચ્યો છે. સુરત પોલીસને આ મામલે ઇનપુટ મળતા પોલીસ હરકતમાં આવી છે. સુરત એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એસઆરપી, પોલીસ કમાન્ડો સહિત સ્થાનિક પોલીસે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સંદિગ્ધો હજીરા વિસ્તારના કિડીયા બેટમાં કોઈક સ્થળે ઉતર્યા હોવાની માહિતી સુરત પોલીસને સ્થાનિક વોચમેન દ્વારા આપવામાં આવી છે. જેના પગલે સુરત પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ મુદ્દે સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર જણાવ્યું હતું કે, સંદિગ્ધો મુદ્દે માહિતી મળ્યા બાદ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. જે આઇલેન્ડ પર ત્રણ લોકો ઉતર્યા હોવાના ઇનપુટ મળ્યા છે તે સ્થળની તપાસ કરવામાં આવી રહી છે. મોડી રાત્રી સુધી આ સર્ચ ઓપરેશન ચાલશે. પરંતુ લોકોએ આ મુદ્દે કોઇ પણ રીતે ભયભીત થવાની જરૂર નથી તેમ પોલીસ કમિશનરે જણાવ્યું છે