સરગાસણમાં અનામત રાખેલી સ્કૂલની જમીન હેતુફેર કરીને સરકારને આપવા સામે વિરોધ
ગાંધીનગર
ગાંધીનગરના સરગાસણ ટીપી-8 માં સ્કૂલ અને પ્લે ગ્રાઉન્ડ માટે અનામત રાખવામાં આવેલી જમીન હેતુ ફેર કરીને સરકારને સ્ટેટ ફાયર સર્વિસિસના હેડ ક્વાર્ટરના બિલ્ડિંગ માટે આપવાના મહાનગરપાલિકાના નિર્ણયનો વિરોધ ઉઠી રહ્યો છે. આ વિસ્તારના વસાહતીઓની સુવિધા માટે અનામત રાખવામાં આવેલી જગ્યા સરકારને આપવા સામે સરગાસણ વસાહત વિકાસ સંઘ દ્વારા વિરોધ ઉઠાવી આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
વસાહત સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરગાસણની ફાઇનલ ટીપી-8માં તે વિસ્તારના રહીશોની સુવિધા અને સુખાકારી માટે આર-48 અને આર-49 નંબરના પ્લોટ સ્કૂલ અને રમત ગમતના મેદાન માટે આરક્ષિત રાખવામાં આવ્યા છે. આ પ્લોટ મહાનગરપાલિકા દ્વારા અન્ય હેતુ માટે સરકારને સોંપવાની હીલચાલ ચાલી રહી છે અને આગામી સામાન્ય સભામાં તેને મંજૂરી આપી આ બંને પ્લોટ સરકારને સુપ્રત કરવાનો ઠરાવ કરવામાં આવનાર છે. સરગાસણ ટીપી-8ના રહિશો દ્વારા આ પ્લોટના હેતુ ફેરનો સખત વિરોધ કરવામાં આવ્યો છે અને બંને પ્લોટ જે મૂળ હેતુ માટેના છે તેમાં કોઈ ફેરફાર નહીં કરવાની માંગણી કરવામાં આવી છે. જો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કાયદાની મર્યાદામાં રહીને ટીપી-8ના રહિશો આંદોલનનો માર્ગ અપનાવશે. વસાહતીઓની સુવિધા માટે અનામત રાખવામાં આવેલી જગ્યા સરકારને આપવા સામે સરગાસણ વસાહત વિકાસ સંઘ દ્વારા વિરોધ ઉઠાવી આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.