દશેલા ગામમાં હડકાયા વાનરનો આતંક, વન વિભાગની ટીમ સક્રિય
ગાંધીનગર નજીકના દશેલા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી એક હડકાયા વાનરના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ વાનરે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે. જેમાં દિનેશભાઈ રબારીને ગંભીર ઈજાઓ થતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય બે પીડિતોમાં મંગાભાઈ ચૌધરી અને ડો. નિમેશ ચૌધરીના પત્નીનો સમાવેશ થાય છે. આ હુમલાઓને કારણે ગ્રામજનોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. ગ્રામજનોની ફરિયાદ બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગની ટીમે ગામમાં પાંજરું ગોઠવી દીધું છે અને વાનરને પકડવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે, જેથી ગામલોકો ભયમુક્ત થઈ શકે.