ભારતના સ્પષ્ટ ખુલાસાથી ટ્રમ્પ શાંત: રશિયા પાસેથી અમેરિકાની આયાતનો મુદ્દો ઉછળ્યો
ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ટેરિફ લાદવાના નિવેદન પર આકરો જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટતા કરી કે અમેરિકા અને યુરોપ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતને નિશાન બનાવી રહ્યા છે, જ્યારે અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ, પેલેડિયમ, ખાતર અને રસાયણો જેવી વસ્તુઓની આયાત ચાલુ રાખી રહ્યું છે.
ભારતના આ સ્પષ્ટ નિવેદનથી ટ્રમ્પ ચોંકી ગયા હતા. તેમણે કહ્યું કે, “મને આ વાતની જાણ નહોતી, હું આ મામલાની તપાસ કરાવીશ.” આ પહેલા, ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેના કારણે આ વિવાદ ઉભો થયો હતો.
વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાએ પોતે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું, જેથી વૈશ્વિક ઊર્જા બજાર સ્થિર રહે. મંત્રાલયે ભારપૂર્વક કહ્યું કે, “કોઈપણ મોટી અર્થવ્યવસ્થાની જેમ, ભારત પણ તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે.” આ નિવેદન દ્વારા ભારતે ટ્રમ્પની નીતિને બેવડા ધોરણોવાળી ગણાવી હતી.