ગાંધીનગરમાં રોકાણકારો સાથે 86 લાખની ઠગાઈ: ‘માતૃભૂમિ ગ્રુપ ઓફ કંપની’ના સંચાલકો સામે ગુનો દાખલ
ગાંધીનગરમાં રાતોરાત રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના થાણેની ‘માતૃભૂમિ ગ્રુપ ઓફ કંપની’ દ્વારા ગાંધીનગરના સેક્ટર-16માં બ્રાન્ચ ખોલીને 250થી વધુ લોકો પાસેથી કુલ 86 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ અંગે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
આ ઠગ કંપનીએ વર્ષ 2012માં ગાંધીનગરમાં પોતાની બ્રાન્ચ શરૂ કરી હતી. કંપનીના એજન્ટોએ લોકોને છથી સાત વર્ષમાં રોકાણ કરેલા રૂપિયા ડબલ કરી આપવાનો વાયદો કર્યો હતો. આ લાલચમાં આવીને અનેક લોકોએ કંપનીની વિવિધ સ્કીમો જેવી કે રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ્ડ ડિપોઝિટ અને પેન્શન પ્લાનમાં નાણાં રોક્યા હતા.
આ ઠગાઈનો ભોગ બનેલા ગૌરવ વિરેન્દ્રકુમાર જોષી નામના એક ફરિયાદીએ જણાવ્યું કે, તેમણે અને તેમના માતાએ વર્ષ 2012માં 10.35 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે વર્ષ 2021 સુધીમાં 21.42 લાખ રૂપિયા થવાના હતા. પરંતુ, પાકતી મુદત પહેલાં જ કંપનીની ગાંધીનગર બ્રાન્ચ બંધ થઈ ગઈ અને તેના ડિરેક્ટરો ફરાર થઈ ગયા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગૌરવ જોષી જેવા જ અન્ય 255 રોકાણકારો પાસેથી કુલ 85.97 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ મામલે સીઆઈડી ક્રાઈમ પોલીસે કંપનીના ચેરમેન પ્રદીપ રવિન્દ્ર ગર્ગ, ડાયરેક્ટર્સ મિલિન્દ અનંત જાદવ, સંજય હેમંતભાઈ બિશ્વાસ અને વિનોદભાઈ વજીરભાઈ પટેલ સહિત અન્ય આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ રાતોરાત પૈસા કમાવવાની લાલચમાં રોકાણ કરનારા લોકો માટે ચેતવણીરૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.