પાકિસ્તાનના ઈશારે અમેરિકાનું મોટું પગલું: બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન જાહેર કરાયું
અમેરિકાએ પાકિસ્તાનની સરકારની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને સ્વીકારી છે અને બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેની પેટા-સંસ્થા ‘મજીદ બ્રિગેડ’ને સત્તાવાર રીતે વિદેશી આતંકવાદી સંગઠન (FTO) તરીકે જાહેર કરી છે. પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરની રજૂઆત પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ જાહેરાત પછી, BLA ને વિદેશમાંથી મળતા પૈસા અને હથિયારો પર પ્રતિબંધ લાગશે. અમેરિકી કાયદા મુજબ, જે કોઈ પણ BLA ને આર્થિક કે ટેક્નિકલ મદદ કરશે, તેની સામે કડક કાર્યવાહી થશે. આનાથી BLA ના નેટવર્કને મોટો ફટકો પડશે.
આ નિર્ણયથી આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનની સ્થિતિ મજબૂત થઈ છે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સપોર્ટ મળ્યો છે. આ પગલાની બલુચ વિદ્રોહી સંગઠનોની ગતિવિધિઓ પર અસર પડશે, અને તેમના માટે વિદેશમાં ભંડોળ એકઠું કરવું મુશ્કેલ બનશે. જોકે, કેટલાક સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આનાથી BLA ગુસ્સામાં આવીને વધુ હિંસક હુમલાઓ પણ કરી શકે છે.
અમેરિકી વિદેશ વિભાગે આ સંગઠન દ્વારા કરવામાં આવેલા કેટલાક મોટા હુમલાઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ૨૦૨૪માં કરાચી અને ગ્વાદરમાં થયેલા હુમલાઓ અને ૨૦૨૫માં એક ટ્રેન હાઈજેક કરવાની ઘટના સામેલ છે. આ ઘટનાઓમાં ઘણા લોકોનાં મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.