2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતે બિડ રજૂ કરી, અમદાવાદમાં યોજાવાની શક્યતા
અમદાવાદ: ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ સત્તાવાર રીતે આ બિડને મંજૂરી આપી દીધી છે, જેનાથી દેશની આશા વધી છે. જો ભારતને આ યજમાની મળે છે, તો ગેમ્સનું આયોજન ગુજરાતના અમદાવાદ શહેરમાં કરવામાં આવશે. આ નિર્ણય IOA ની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવ્યો હતો.
બિડની મુખ્ય વિગતો:
- સરકારનો સહયોગ: કેન્દ્ર સરકાર દ્વારા 2030 કોમનવેલ્થ ગેમ્સનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવશે.
- મહત્વનો સમયગાળો: બિડના દસ્તાવેજો જમા કરવાની અંતિમ તારીખ 31 ઑગસ્ટ છે.
- અમદાવાદ બનશે કેન્દ્ર: ભારતે અમદાવાદમાં ગેમ્સનું આયોજન કરવા માટે ‘એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ પહેલેથી જ રજૂ કરી દીધું છે.
- તકો વધી: કેનેડાએ 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનું બિડ પાછું ખેંચી લેતાં ભારત માટે તકો વધુ ઉજળી બની છે.
સ્થળનું નિરીક્ષણ: કોમનવેલ્થ સ્પોર્ટ્સના ડાયરેક્ટર ગેમ્સ ડેરેન હોલે તાજેતરમાં અમદાવાદની મુલાકાત લીધી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગુજરાત સરકારના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ મહિનાના અંત સુધીમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સનું વધુ એક ડેલિગેશન અમદાવાદની મુલાકાતે આવી શકે છે.
અંતિમ નિર્ણય નવેમ્બરમાં: કોમનવેલ્થ 2030ની યજમાની માટે કયા દેશની પસંદગી થશે તે અંગેનો અંતિમ નિર્ણય નવેમ્બરના અંતિમ સપ્તાહમાં લેવામાં આવશે. કોમનવેલ્થ સ્પોર્ટ્સની જનરલ એસેમ્બલી આ બાબતે અંતિમ મહોર મારશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતે 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સની સફળતાપૂર્વક યજમાની કરી હતી.