અમેરિકા પર દેવાનો બોજ રેકોર્ડ સ્તરે: રાષ્ટ્રીય દેવું 37 ટ્રિલિયન ડૉલરને પાર
વૉશિંગ્ટન ડી.સી.: વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકા પર દેવાનો બોજ સતત વધી રહ્યો છે, જેણે ચિંતા જગાવી છે. તાજેતરમાં ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના એક અહેવાલ મુજબ, દેશનું કુલ રાષ્ટ્રીય દેવું રેકોર્ડબ્રેક 37 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. આ આંકડા દર્શાવે છે કે અમેરિકન અર્થતંત્ર એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, છેલ્લા કેટલાક સમયથી અમેરિકાનું દેવું દર પાંચ મહિને 1 ટ્રિલિયન ડૉલર વધી રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન અર્થતંત્રને ટેકો આપવા માટે ટ્રમ્પ અને બાઇડન બંને સરકારોએ મોટી રકમ ઉધાર લીધી હતી, જે આ દેવાના વધારાનું મુખ્ય કારણ છે. નિષ્ણાતો માને છે કે આ ગતિ છેલ્લા 25 વર્ષની સરેરાશ કરતાં બમણીથી પણ વધુ છે, જે પોલિસી રેટ પર દબાણ વધારીને લોન મોંઘી કરી શકે છે અને ખાનગી રોકાણને પણ નકારાત્મક અસર કરી શકે છે. આ પરિસ્થિતિ ભવિષ્યમાં અમેરિકન અર્થતંત્ર માટે ગંભીર પડકારો ઊભા કરી શકે છે.