સુરત : છેતરપીંડીની બે ઘટનામાં રૂ.81.65 લાખની ઠગાઈ
સુરત :
કાપડ બજારમાં છેતરપિંડીની બે ઘટનામાં ઉધના ખાતે સાડી અને ડ્રેસ મટીરીયલનો વેપાર કરતા ઘોડદોડ રોડના વેપારી પાસેથી રીંગરોડના પિતા-પુત્રએ રૂ.72.83 લાખની સાડી અને ડ્રેસ મટીરીયલ લઈ બહારગામના વેપારીઓને મોકલી તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું જ્યારે અન્ય ઘટનામાં વરાછા જૂની બોમ્બે માર્કેટની બાજુમાં દુકાન ધરાવતા ત્રણ વેપારી એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવી ત્રણ કારખાનેદારના રૂ.8.82 લાખ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ઘોડદોડ રોડ રત્નજ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતાં 45 વર્ષીય કમલેશભાઈ દેવીલાલ કોઠારી ઉધના ઉદ્યોગનગર રોડ નં.10 પ્લોટ નં.18 માં મનમોહક ફેશન પ્રાઇવેટ લિમિટેડના નામે સાડી અને ડ્રેસ મટીરીયલનો વેપાર કરે છે.
રીંગરોડ રેશમવાલા માર્કેટની પાછળ ટ્રેડ સેન્ટરમાં પ્રતિક ક્રિએશનના નામે દુકાન ધરાવતા બિપિનકુમાર ઘનશ્યામદાસ સારડા (માહેશ્વરી) અને તેમના પુત્ર પ્રતીકે પોતે મોટા વેપારી અને આડતીયા હોવાનું જણાવી અમારી સાથે ધંધો કરશો તો સારો નફો મળશે તેમ કહી કમલેશભાઈ પાસેથી શરૂઆતમાં રૂ.25 લાખની સાડી અને ડ્રેસ મટીરીયલ મંગાવી બહારગામના વેપારીઓને મોકલ્યા હતા અને પેમેન્ટ પણ સમયસર કર્યું હતું.
જોકે, માર્ચ 2017થી ઓક્ટોબર 2017 દરમિયાન પિતા-પુત્રએ રૂ.72,82,938ની સાડી અને ડ્રેસ મટીરીયલ મંગાવી બહારગામના વેપારીઓને મોકલ્યા હતા પરંતુ તેનું પેમેન્ટ આજદિન સુધી ચૂકવ્યું ન હતું. આ અંગે કમલેશભાઈએ પિતા-પુત્ર વિરુદ્ધ ગતરોજ ઉધના પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીઆઇ એલ જી ખરાડી કરી રહ્યા છે.
છેતરપિંડીની બીજી ઘટનામાં મૂળ જૂનાગઢના વતની અને સુરતમાં વરાછા અશ્વનિકુમાર રોડ રામનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય જયેશભાઈ બાબુભાઈ ડોબરીયા વરાછા ફુલ માર્કેટ સામે અજંતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં બાલમુકુંદ ફેશનના નામે એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે.
ત્રણ વર્ષ અગાઉ તેમની ઓળખાણ ચલથાણ રેલવે ફાટકની બાજુમાં શિવસાંઈ રેસિડન્સીમાં રહેતા અને વરાછા જૂની બોમ્બે માર્કેટની બાજુમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે દિનેશ ટેક્ષ્ટાઈલના નામે દુકાન ધરાવતા દિનેશ પ્રતાપપુરી ગોસ્વામી સાથે થઈ હતી. કૈલાશ અને હીરાલાલ નામના વ્યક્તિ સાથે ભાગીદારીમાં ધંધો કરતા દિનેશે જયેશભાઈ પાસે ગત ઓગસ્ટ 2018થી માર્ચ 2018 સુધી રૂ.2,43,920નું એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવ્યું હતું.
પરંતુ ત્રણેય ભાગીદારોએ તેની મજૂરીના નાણાં ચુકવ્યા ન હતા અને ગત જુન માસના અંતમાં તેઓ દુકાન બંધ કરી ફરાર થઇ ગયા હતા. જયેશભાઈએ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે ત્રણેય વેપારીએ અન્ય બે કારખાનેદારના પણ એમ્બ્રોઇડરી જોબવર્કની મજૂરી નાણાં ચુકવ્યા નથી. ત્રણેય કારખાનેદારના એમ્બ્રોઇડરી જોબવર્કની મજૂરીના રૂ.8,81,806 ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયેલા ત્રણેય વેપારીઓ વિરૂદ્ધ જયેશભાઈએ ગતરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઇ એ જી સોલંકી કરી રહ્યા છે.