આંતરરાષ્ટ્રીયમનોરંજન

યુએસ ઓપન : સેરેના અને એન્ડ્રેસ્ક્યુ વચ્ચે વિમેન્સ સિંગલ્સનો ફાઈનલ જંગ

ન્યૂ યોર્ક,

અમેરિકાની લેજન્ડરી ખેલાડી સેરેના વિલિયમ્સે કારકિર્દીના ૨૪માં ગ્રાન્ડ સ્લેમ તરફ આગેકૂચ કરતાં યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આજે રમાયેલી વિમેન્સ સિંગલ્સની સેમિ ફાઈનલમાં આઠમો સીડ ધરાવતી સેરેના વિલિયમ્સે પાંચમો સીડ ધરાવતી સ્વિટોલિનાને ૬-૩, ૬-૧થી હરાવીને ટાઈટલ જંગમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે સેરેના કારકિર્દીમાં ૧૦મી વખત યુએસ ઓપનની ફાઈનલમાં પ્રવેશી હતી. જ્યાં તેનો સામનો કેનેડાની ૧૯ વર્ષીય બેએન્કા એન્ડ્રેસ્ક્યુ સામે થશે.

૧૫મો સીડ ધરાવતી કેનેડિયન ખેલાડી એન્ડ્રેસ્ક્યુએ ૧૩મી ક્રમાંકિત એવી સ્વિત્ઝર્લેન્ડની બેલિન્ડા બેન્સીચને સીધા સેટોમાં ૭-૬ (૭-૩), ૭-૫ થી પરાસ્ત કરી હતી. આ સાથે ૧૯ વર્ષીય એન્ડ્રેસ્ક્યુ કારકિર્દીની પહેલી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પ્રવેશી હતી.

અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ જો ટાઈટલ જીતશે તો કારકિર્દીનું રેકોર્ડ ૨૪મું ગ્રાન્ડ સ્લેમ જીતીને સર્વાધિક વિમેન્સ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ્સ જીતવાના માર્ગારેટ કોર્ટના ઓલ-ટાઈમ રેકોર્ડને તોડી નાંખશે.

સેરેનાએ ૧૦૧માં વિજય સાથે એવર્ટની બરોબરી કરી

અમેરિકાની લેજન્ડરી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે યુએસ ઓપનમાં કારકિર્દીનો ૧૦૧મો વિજય મેળવતા અંહી સર્વાધિક વિજય મેળવવા ક્રિસ એવર્ટના ઓલ ટાઈમ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. એવર્ટ અંહી ૧૦૧ મેચ જીતી હતી. સેરેના વિલિયમ્સે અંહી એક કલાક અને૧૦ મિનિટના ભારે સંઘર્ષ બાદ જીત હાંસલ કરી હતી. અમેરિકી ખેલાડીએ કારકિર્દીની ૩૩મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પ્રવેશ પ્રાપ્ત કરી લીધો છે.

એન્ડ્રેસ્ક્યુએ વિનસના ૨૨ વર્ષ જૂના રેકોર્ડની બરોબરી કરી

કેનેડાની યુવા ખેલાડી બેએન્કા એન્ડ્રેસ્ક્યુએ ફાઈનલમાં પ્રવેશવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે તે કારકિર્દીની પ્રથમ યુએસ ઓપન રમતાં જ ફાઈનલમાં પ્રવેશનારી ૨૨ વર્ષ બાદની સૌપ્રથમ ખેલાડી બની હતી. છેલ્લે ૧૯૯૭માં અમેરિકાના લેજન્ડરી ખેલાડી વિનસ વિલિયમ્સે આવી સિદ્ધિ મેળવી હતી.

યુએસ ઓપનના ઈતિહાસમા એન્ડ્રેસ્ક્યુ ત્રીજી એવી ખેલાડી બની હતી કે, જે સિંગલ્સ કેટેગરીમાં કારકિર્દીની સૌપ્રથમ યુએસ ઓપન રમતાં ટાઈટલ જંગમાં પ્રવેશી શકી હોય. આ સાથે તેણે સતત ૧૩મો વિજય પણ પ્રાપ્ત કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x