અમદાવાદમાં ધોધમાર વરસાદ: શહેરીજનોને બફારાથી રાહત, પણ ટ્રાફિકજામથી મુશ્કેલી
અમદાવાદ: રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે સાંજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ભારે ઉકળાટથી પરેશાન લોકોને રાહત મળી હતી. જોકે, અચાનક શરૂ થયેલા વરસાદના કારણે ઓફિસથી ઘરે જઈ રહેલા લોકોને ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ શહેરના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા અને થોડી જ વારમાં બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, ઘુમા સહિત સમગ્ર એસ.જી. હાઈવે પર મુશળધાર વરસાદ વરસ્યો હતો.
વરસાદ શરૂ થતાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે એસ.જી. હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી અને ઠેર-ઠેર ટ્રાફિક જામ થયો હતો. જેના પરિણામે વાહનચાલકોને ઘરે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી.
વરસાદના આંકડા: આ વર્ષે અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 17 ઇંચ એટલે કે 62% વરસાદ નોંધાયો છે, જે ગયા વર્ષના 11 ઇંચ (43.64%) વરસાદ કરતાં ઘણો વધારે છે. જ્યારે શહેરી વિસ્તારમાં પણ સરેરાશ 21.40 ઇંચ એટલે કે 67.50% વરસાદ નોંધાયો છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં માત્ર 15% જ હતો. આ આંકડા દર્શાવે છે કે આ વર્ષે અમદાવાદમાં વરસાદ સારો રહ્યો છે, પરંતુ આજના વરસાદે લોકોને બફારામાંથી રાહતની સાથે ટ્રાફિકની સમસ્યાનો પણ અનુભવ કરાવ્યો.