ગાંધીનગર RTOમાં ACBના ડરથી અધિકારી-કર્મચારી અને એજન્ટો ગાયબ
ગાંધીનગર: પેપરલેસ અને ફેસલેસ કામગીરીના દાવાઓ વચ્ચે પણ ગાંધીનગર આરટીઓ (RTO)માં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની રેડ પડવાની અફવાએ આખી ઓફિસમાં ખળભળાટ મચાવી દીધો હતો. ગુરુવારે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ અચાનક પોતાની જગ્યા છોડીને ગાયબ થઈ ગયા હતા. બીજી બાજુ, જે એજન્ટોનો આરટીઓમાં રોજનો વ્યવહાર હોય છે, તેમને પણ અંદર પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.
અફવા અને વાસ્તવિકતા: એસીબીની ટ્રેપ થવાની વાત વહેતી થતાં જ આરટીઓનું કામકાજ લગભગ ઠપ્પ થઈ ગયું હતું. આ ઘટના પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે એસીબીની કાર્યવાહીનું ‘પેપર’ ફૂટી ગયું હોય. એજન્ટોના વર્તુળમાં એવી ચર્ચા હતી કે આજે એસીબીની ટ્રેપ થવાની છે, અને તેથી જ તેમને અંદર આવવાની ના પાડવામાં આવી છે. આશંકાના કારણે ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ આવ્યા બાદ પણ પોતાની જગ્યા પર નહોતા. જોકે, મોડી સાંજ સુધી એસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
લાંચના ભાવમાં વધારો: આરટીઓમાં વિવિધ કામો કરવા માટે એજન્ટો અને ડીલરો પાસેથી લેવામાં આવતી લાંચના ‘ભાવ’માં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કારણોસર કોઈએ એસીબીમાં ફરિયાદ કરી હોય તેવી શક્યતા છે. ભૂતકાળમાં પણ ગાંધીનગર સહિત ઘણી આરટીઓમાં એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે. લગભગ આઠ મહિના પહેલાં પણ ગાંધીનગર આરટીઓમાં એક ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથે પકડાયા હતા. આજના બનાવથી ફરી એકવાર આરટીઓમાં ચાલતી ગેરરીતિઓ ઉજાગર થઈ છે.