જાણો કયા કારણે મહિલાઓને હોય છે વધારે ઊંઘની જરૂર
નવી દિલ્હી :
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સારી નિંદ્રા જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે ઊંઘની જરૂર હોય છે? આજકાલ ઊંઘની સમસ્યા ફક્ત વૃદ્ધો જ નહીં, પરંતુ તમામ વય જૂથો માટે ચિંતાનો વિષય બની છે. સારી ઊંઘ ફક્ત શારીરિક જ નહીં, માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. દરરોજ કેટલા કલાક ઊંઘ કરવી જોઈએ તે ઉંમર અને અન્ય બાબતો પર આધાર રાખે છે. તંદુરસ્ત રહેવા માટે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાક આંખ અને શરીરને આરામ આપવો જોઈએ.
26 થી 64 વર્ષની વયના લોકોએ દિવસમાં ઓછામાં ઓછા 7 થી 9 કલાક સૂવું જોઈએ. 64 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દરરોજ લગભગ 7 થી 8 કલાક સૂવું જોઈએ. જ્યારે કિશોર અને શાળાએ જતા બાળકો માટે દરરોજ લગભગ 9 થી 10 કલાકની ઊંઘ જરૂરી છે. પરંતુ વાત અહીંયા સ્ત્રીઓ વિશે વાત કરીએ છીએ તો તો ગમે તે ઉંમર હોય પરંતુ તેમને પુરુષો કરતાં વધુ ઊંઘની જરૂર હોય છે. તેના માટે ઘણા કારણ જવાબદાર છે.
મહિલાઓને પુરુષો કરતાં 20 મિનિટની વધારે ઊંઘ કરવી જોઈએ. મહિલાઓને દિવસભર અલગ અલગ કામ કરવાના હોય છે. તેથી તેમના મસ્તિષ્કને રિકવર કરવામાં વધારે સમય લાગે છે. આ જ કારણ છે કે તેમને ફિટ અને સ્વસ્થ રહેવા માટે રોજ પુરુષો કરતાં 20થી 25 મિનિટની ઊંઘ વધારે લેવી જોઈએ. આ ઉપરાંત કયા કારણે મહિલાઓને ઊંઘ વધારે કરવી જોઈએ તે જાણીએ.
વ્યસ્ત દિનચર્યા
તમે પણ એ વાતથી સહમત થશો કે સ્ત્રીઓની દિનચર્યા પુરુષો કરતાં વધારે વ્યસ્ત હોય છે. સ્ત્રી કામ કરતી હોય કે ગૃહિણી તે સવારથી વહેલા જાગી જાય છે અને તે ઘર કામ, બાળકો સહિતની જવાબદારીઓ સારી રીતે નીભાવે છે. બાળકોના ટિફિન ઘરના લોકોના ભોજનની વ્યવસ્થા, કોઈ મહેમાન આવે તો તેમની સંભાળ વગેરે જેવી જવાબદારીઓ તેઓ નિભાવે છે. આ તમામ કામમાં તેમને વધારે શારીરિક શ્રમ અને માનસિક તાણ રહે છે. પર્યાપ્ત ઊંઘનો અભાવ તેમના શરીર અને મન પર એટલી હાનિકારક અસર કરે છે કે તેઓ માથાનો દુખાવો અને તાણ અનુભવે છે.
શારીરિક પરિવર્તન
જીવનમાં ઉતાર ચઢાવ અને શારીરિક પરિવર્તનોના કારણે પણ મહિલાઓને વધારે ઊંઘ કરવી જોઈએ. કિશોરી અને 40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ બેચેની, તાણ અને અનિંદ્રાની શિકાર ઝડપથી થાય છે. મહિલાઓને આ કારણે પણ વધારે ઊંઘની જરૂર હોય છે કારણ કે તેમની ઊંઘની ગુણવત્તા પુરુષોની સરખામણીમાં ખરાબ હોય છે. એટલે કે તેમની ઊંઘ વારંવાર તુટે છે.
હોર્મોનની અસર
માસિક, ગર્ભાવસ્થા અને મેનોપોઝ દરમિયાન પણ શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે અને તેનાથી મહિલાઓના શરીર પર ગંભીર અસર પડે છે. હોર્મોનલ પરિવર્તનના કારણે મહિલાઓના શરીરમાં શારીરિક અને ભાવનાત્મક બંને પ્રકારના ફેરફાર થાય છે. જે તેમની ઊંઘની ગુણવત્તાને ખરાબ કરે છે. હોર્મોનલ પરિવર્તનના કારણે મહિલાઓ વધારે થાકી જાય છે. સાથે જ તેમના શરીરમાં દુખાવો પણ થાય છે. તે દરમિયાન તેને વધારે ઊંઘ અને આરામની જરૂર પડે છે.
વધતું વજન
ઊંઘની સમસ્યા વજન વધવાનું મુખ્ય કારણ છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓ માટે વજન ઘટાડવું પણ વધારે મુશ્કેલ હોય છે. મોટાભાગે આમ થવાનું મુખ્ય કારણ ઊંઘ પૂરી ન થવાનું પણ હોય છે. ઊંઘની ખામી માત્ર વજન વધવા માટે જવાબદાર હોય છે અને સાથે જ શરીરમાં સ્ટ્રેસ પેદા કરતા કોર્ટિસોલ હોર્મોન્સને પણ જન્મ આપે છે. તે હોર્મોન ભુખ વધારે છે અને મહિલાઓમાં સ્થૂળતા લાવે છે. જો મહિલા પૂરતા પ્રમાણમાં ઊંઘ કરે તો તે હોર્મોનનું શરીરમાં સંતુલન જળવાઈ રહે છે.
રેસ્ટલેસ સ્થિતિ માટે જવાબદાર
નામથી જ ખબર પડે છે તેમ રેસ્ટલેસ સિંડ્રોમમાં લોકો કારણ વિના પોતાના હાથ પગ સતત હલાવતા રહે છે. આ સિંડ્રોમના શિકાર પુરુષો કરતાં મહિલાઓ વધારે હોય છે. સાંજે અને રાત્રે આ સિંડ્રોમના લક્ષણ વધારે જોવા મળે છે. આ સમસ્યાથી પીડિત મહિલાઓને સારી ઊંઘ લેવામાં સમસ્યા થાય છે. સારી ઊંઘ માટે આ વાતોને રાખવી ધ્યાનમાં.
1. રોજ એક જ સમયે સૂઈ જવું અને સવારે વહેલા જાગી જવું.
2. સૂતા પહેલા મનને શાંત કરવાનો પ્રયત્ન કરો. એવું વિચારો કે જેનાથી મન પ્રફુલ્લિત થાય. તેનાથી ઊંઘ સારી આવે છે.
3. સૂતા પહેલા એક કલાક સુધી પોતાના સ્માર્ટફોન, લેપટોપ કે ટીવીને બંધ કરી લો. આવા ઉપકરણોમાંથી નીકળતો પ્રકાશ ઊંઘમાં બાધા ઉત્પન્ન કરે છે.
4. રાત્રે કોફી, ચા કે દારુ પીવો નહીં.
5. સંગીત સાંભળવું ગમતું હોય તો સૂતા પહેલા તે સાંભળો. તેનાથી સારી ઊંઘ આવશે.