ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, જૂનાગઢમાં જળબંબાકાર: ડેમના દરવાજા ખોલાયા, અનેક રસ્તાઓ બંધ
જૂનાગઢ: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાચી ઠરી છે, અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. આજે (21મી ઓગસ્ટ) બપોરે 12થી 2 વાગ્યાના ગાળામાં જ રાજ્યના 99 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 5.47 ઇંચ વરસાદ વરસ્યો હતો. સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં મેંદરડામાં 12.8 ઇંચ વરસાદ પડતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. સલામતીના ભાગરૂપે જૂનાગઢ એસટી વિભાગ દ્વારા 15 જેટલા બસ રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયત હસ્તકના 35થી વધુ રસ્તાઓ પણ બંધ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.
વરસાદની સતત આવકને કારણે જૂનાગઢ જિલ્લાના જળાશયોમાં પણ પાણીનું સ્તર વધ્યું છે. વંથલી તાલુકામાં આવેલ ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા 2.70 મીટર ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત, શાપુર પાસેના ઓઝત વિયરના 10 દરવાજા અને માણાવદર તાલુકાના બાંટવાખારા ડેમના 14 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.