ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ: ધરોઈ ડેમ બાદ સંત સરોવરમાંથી પણ પાણી છોડાયું
ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદને પગલે નદી-તળાવો છલકાઈ ગયા છે, અને સાબરમતી નદી પરનો ધરોઈ ડેમ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે. ડેમમાં પાણીની સતત આવક થતાં શનિવારે બપોરે ૪૯,૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. આ પાણી ગાંધીનગર પહોંચે તે પહેલાં જ તંત્રએ આગમચેતીના પગલાં ભર્યા હતા.
આગળના પ્રવાહને જાળવી રાખવા માટે, સંત સરોવરમાંથી પણ પાણી છોડવાની ફરજ પડી હતી. શનિવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ સંત સરોવરના કુલ છ દરવાજા ખોલીને ૧૩,૧૫૧ ક્યુસેક પાણી ધોળેશ્વર અને ભાટ તરફ છોડવામાં આવ્યું હતું. જેમાંથી પાંચ દરવાજા પાંચ-પાંચ ફૂટ અને એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો. આ પાણી સીધું વાસણા બેરેજ તરફ જઈ રહ્યું છે, જ્યાં પણ પાણીનું સ્તર ઘટાડવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
હાલમાં ધરોઈ ડેમ અને સંત સરોવરમાં પાણીની આવક અને જાવક પર ૨૪ કલાક નજર રાખવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર યથાવત હોવાથી આગામી દિવસોમાં પણ આ પ્રકારની પાણીના નિકાલની કામગીરી ચાલુ રહી શકે છે.