અમેરિકાનો ચોંકાવનારો આક્ષેપ: ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ રશિયા-યુક્રેન યુદ્ધને ‘મોદીનું યુદ્ધ’ ગણાવ્યું
વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ રશિયા-યુક્રેન યુદ્ધ અને ભારતના રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી અંગે એક અત્યંત ચોંકાવનારું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સીધો આરોપ લગાવ્યો કે, ભારતે ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઈલ ખરીદીને યુદ્ધને પ્રોત્સાહન આપ્યું છે અને અમેરિકન કરદાતાઓ પર બોજ નાખ્યો છે. નાવારોએ આ સંઘર્ષને ‘મોદીનું યુદ્ધ’ ગણાવ્યું અને ચેતવણી આપી કે જો ભારત આ નીતિ ચાલુ રાખશે, તો અમેરિકાને કડક વલણ અપનાવવું પડશે.
નાવારોનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે બુધવારે (27 ઓગસ્ટ) અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે. એક ઇન્ટરવ્યુમાં નાવારોએ કહ્યું કે, “ભારત અસ્પૃશ્ય નથી અને શાંતિનો માર્ગ આંશિક રીતે ભારતમાંથી પસાર થાય છે.” તેમણે વધુમાં કહ્યું કે, જો ભારત આજે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરશે, તો તેને કાલે 25% ટેરિફમાં રાહત મળી શકે છે.
નાવારોએ ભારતીય નેતૃત્વની નીતિઓ પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, “મને નવાઈ લાગે છે કે, મોદી એક મહાન નેતા છે… જે વાત મને હેરાન કરે છે કે ભારતીય આટલા ઘમંડી છે. તેઓ કહે છે કે તે અમારું સાર્વભૌમત્વ છે, અમે કોઈપણ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકીએ છીએ.” તેમણે દાવો કર્યો કે ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદીને રશિયાના યુદ્ધ પ્રયાસોને નાણાકીય સહાય પૂરી પાડી રહ્યું છે, જેના કારણે વધુ યુક્રેનિયન નાગરિકોના મોત થાય છે અને અમેરિકાના અર્થતંત્રને પણ નુકસાન થાય છે.