ભાદરવી પૂનમ મેળામાં ઉમટી પડ્યા ભક્તો, બે દિવસમાં ૭ લાખથી વધુએ કર્યા દર્શન
અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેળાના બીજા દિવસે ૩.૮૫ લાખથી વધુ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ સાથે જ બે દિવસમાં દર્શન કરનારા ભક્તોની સંખ્યા ૭.૨૯ લાખને વટાવી ગઈ છે.
મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના તમામ માર્ગો પર પદયાત્રીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે જાણે કેડીયારું ઉભરાયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. ભક્તોની ભીડને લીધે ટ્રાફિક જામ પણ થયો હતો, તેમ છતાં સૌના ચહેરા પર અદમ્ય ઉત્સાહ અને ભક્તિનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો.
અંબાજીનું આ પવિત્ર ધામ શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ જેવું લાગે છે. આસપાસના પહાડોની વચ્ચે લાખો ભક્તોની હાજરીથી એક અનોખો અને અલૌકિક માહોલ બની ગયો છે. રાજ્યભરમાંથી આવેલા પગપાળા સંઘો અને પદયાત્રીઓએ સેંકડો કિલોમીટરની યાત્રા કરીને એક વિશાળ માનવ સાંકળ બનાવી છે, જે મા જગદંબા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.