GSFCના કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો વિરોધ: ૮ મહિનાથી પગાર ન મળતા ૧૬ દિવસથી ધરણા
ગાંધીનગર: જીએસએફસી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ૧૦૦થી વધુ કર્મચારીઓ, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, છેલ્લા આઠ મહિનાથી પગાર વગર કામ કરી રહ્યા છે. આ અન્યાય સામે, તમામ કર્મચારીઓ છેલ્લા ૧૬ દિવસથી કંપનીની બહાર ધરણા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. કર્મચારીઓનો દાવો છે કે તેમની પાસે કોર્ટનો સ્પષ્ટ હુકમ છે કે તેમને આડકતરી રીતે છૂટા કરવા નહીં અને તેમનો પગાર પણ બંધ કરવો નહીં.
તેમ છતાં, કંપની મેનેજમેન્ટે એકતરફી નિર્ણય લઈને આ પગાર અટકાવી દીધો છે. આંદોલન કરી રહેલા એક કર્મચારીએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક પગાર બંધ કરી દેવાથી તેમના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. નાના બાળકોને ઘરે મૂકીને મહિલા કર્મચારીઓ પણ આ ધરણામાં જોડાઈ છે, જે તેમની ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે. કર્મચારીઓ કામ કરવા માટે તૈયાર છે, પરંતુ મેનેજમેન્ટ કહે છે કે તેઓ ધરણા કરનારને ઓળખતા નથી. રોજેરોજ નવા નવા વાયદાઓ કરીને તેમને ટાળવામાં આવી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે આ એક રીતે બેકારી વધારવાનો ઇરાદો છે.