પાકિસ્તાન-અફઘાનિસ્તાનના શરણાર્થીઓ પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશે
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધાર્મિક અત્યાચારના કારણે ભારતમાં આશ્રય લેનારા લોકો માટે એક મોટો રાહત આપતો આદેશ જાહેર કર્યો છે. નવા આદેશ મુજબ, આ ત્રણ દેશોના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા લઘુમતી સમુદાયના લોકો જેઓ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં ભારતમાં પ્રવેશ્યા છે, તેઓને હવે કોઈપણ ટ્રાવેલ ડોક્યુમેન્ટ કે પાસપોર્ટ વગર ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે.
મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલો ‘ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, ૨૦૨૫’ સોમવારથી અમલમાં આવ્યો છે. આ નવા કાયદાથી પાકિસ્તાનથી આવેલા હિન્દુઓ સહિતના લઘુમતી શરણાર્થીઓને મોટી રાહત મળશે. જોકે, આ કાયદો સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)થી અલગ છે. CAA ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલાં ભારતમાં પ્રવેશેલા લોકોને નાગરિકતા આપે છે, જ્યારે આ નવો કાયદો માત્ર ડોક્યુમેન્ટ વિના ભારતમાં રહેવાની છૂટ આપે છે, તે નાગરિકતાની ગેરંટી આપતો નથી.
આ નવા નિયમોમાં નેપાળ અને ભૂતાનના નાગરિકો માટે પાસપોર્ટ મુક્તિનો જૂનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકો અને તેમના પરિવારોને પણ પાસપોર્ટ કે વિઝા વગર સરળતાથી ભારતમાં પ્રવેશ કરવાની છૂટ આપવામાં આવી છે.