GSTમાં મોટો ફેરફાર: ૧૨% અને ૨૮% ના સ્લેબ રદ, હવે માત્ર ૫% અને ૧૮% ના દર લાગુ
જીએસટી કાઉન્સિલે ૩ સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે હવે દેશમાં માત્ર બે જ જીએસટી સ્લેબ લાગુ થશે: ૫% અને ૧૮%. આ નિર્ણયનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળશે, કારણ કે ઘણી વસ્તુઓ સસ્તી થશે.
નવા નિયમ અનુસાર, અત્યાર સુધી લાગુ પડતા ૧૨% અને ૨૮% ના જીએસટી સ્લેબને રદ કરવામાં આવ્યા છે. આ બંને સ્લેબમાં આવતી વસ્તુઓને હવે નવા ૫% અથવા ૧૮% ના દરમાં સામેલ કરવામાં આવશે. જોકે, લક્ઝરી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ પર ૪૦% નો એક સ્પેશિયલ ટેક્સ સ્લેબ પણ લાગુ કરવામાં આવશે.
સરકારનો આ નિર્ણય ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થશે. જેના પરિણામે જીવનજરૂરી અને સામાન્ય ઉપયોગની ઘણી વસ્તુઓ સસ્તી બનશે, જ્યારે મોંઘી અને વૈભવી વસ્તુઓ માટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે. આ પરિવર્તનથી દેશની ટેક્સ સિસ્ટમ વધુ સરળ બનશે.