અમદાવાદમાં માત્ર મજાકથી જીવ ગુમાવ્યો: ત્રણ યુવકોના મોતનો વીડિયો સામે આવતા ચકચાર
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં ત્રણ યુવકોના ડૂબી જવાની દુર્ઘટના પાછળનું ચોંકાવનારું કારણ હવે સામે આવ્યું છે. આ ઘટનાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકોની મસ્તી-મજાકે જ તેમનો જીવ લીધો હતો. આ દુર્ઘટના મંગળવારે (૨ સપ્ટેમ્બર) બની હતી.
સામે આવેલા વિડીયોમાં, ચાર યુવકો એક હોડીમાં બેઠા છે. શરૂઆતમાં તેઓ હલેસા વડે હોડી ચલાવે છે, પરંતુ પછી મજાકમાં એક યુવક ઊભો થઈને હોડીને બંને હાથે હલાવવા લાગે છે. તેના જોયા જોયું અન્ય ત્રણ યુવકો પણ હોડીને એ જ રીતે હલાવે છે, જેના કારણે અચાનક હોડી પલટી મારી જાય છે અને ચારેય યુવકો તળાવમાં ડૂબી જાય છે.
આ દુર્ઘટનામાં કમનસીબે ત્રણ યુવકોનું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવક બચવામાં સફળ રહ્યો હતો. કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર સાબિતી આપી છે કે તળાવમાં બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.