અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટનો ડર: ટેરિફ પર નિર્ણય વિરુદ્ધ આવે તો વેપાર કરાર રદ કરવાની ધમકી
ટ્રેડ વોર શરૂ કરનાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હવે સુપ્રીમ કોર્ટમાં ટેરિફને લઈને કેસ હારી જવાની ચિંતા સતાવી રહી છે. તાજેતરમાં જ એક અમેરિકન અપીલ કોર્ટે ટ્રમ્પના ટેરિફના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો હતો, જેના કારણે હવે ટ્રમ્પને સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણયની ચિંતા છે.
બુધવારે, વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે, જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમની વિરુદ્ધ આવે તો યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથેના વેપાર કરારો રદ કરવાની ફરજ પડશે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી અમેરિકા પર મોટી અસર થશે અને તેથી તેઓ સુપ્રીમ કોર્ટને અગાઉના કોર્ટના નિર્ણયને રદ કરવા માટે વિનંતી કરશે.
જોકે, ટ્રમ્પે એમ પણ દાવો કર્યો છે કે તેમનો વહીવટ સુપ્રીમ કોર્ટમાં જીતશે. તેમણે કહ્યું કે, “આ ટેરિફના કારણે મને મોટા વેપારી ભાગીદારો સાથે સોદા કરવાનો અવસર મળ્યો છે.” તેમણે પુનરોચ્ચાર કર્યો કે આ નીતિએ અમેરિકાને ફરીથી સમૃદ્ધ બનાવવાનો માર્ગ ખોલી આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ભારત અને બ્રાઝિલ પર સૌથી વધુ ૫૦%નો ટેરિફ લગાવ્યો છે.