ગુજરાતમાં મેઘ મહેર! ૨૪ કલાકમાં ૧૯૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના કુલ ૧૯૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.
છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે, જ્યાં ૮.૧૧ ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય, પંચમહાલના જાંબુઘોડામાં ૬.૮૯ ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં ૬.૪૬ ઇંચ અને પાવીજેતપુરમાં ૫.૭૧ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભરૂચ તાલુકામાં ૫.૩૯ ઇંચ, નેત્રંગમાં ૫.૩૫ ઇંચ અને અંકલેશ્વરમાં ૪.૯૬ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ ૧૨ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ, ૨૬ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ અને ૪૯ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કુલ ૯૭ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે અને વાવણીકાર્યને વેગ મળવાની આશા છે.