પંજાબમાં પૂરનો કહેર: ૪૩થી વધુ લોકોના મોત, ૧.૭૧ લાખ હેક્ટરનો પાક બરબાદ.
પંજાબ હાલમાં ભારે પૂરની કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદ અને તેના પરિણામે આવેલા પૂરથી રાજ્યમાં ભારે તારાજી સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં ૪૩થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકારી આંકડા મુજબ, રાજ્યના ૨૩ જિલ્લાના કુલ ૧૯૦૨ ગામો પૂરથી પ્રભાવિત થયા છે.
આ ભયાનક પૂરના કારણે ૩.૮૪ લાખથી વધુ લોકોનું જીવન ખોરવાઈ ગયું છે. મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૨૦,૯૭૨ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પૂર સંબંધિત ઘટનાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ છ લોકોના મોત થયા છે, જેનાથી મૃત્યુઆંક વધીને ૪૩ થયો છે. સૌથી વધુ મોત હોશિયારપુરમાં (૭) અને પઠાણકોટમાં (૬) નોંધાયા છે, જ્યારે પઠાણકોટમાં હજુ પણ ત્રણ લોકો ગુમ છે.
પૂરની અસર માત્ર જનજીવન પર જ નહીં, પરંતુ ખેતી પર પણ પડી છે. આશરે ૧.૭૧ લાખ હેક્ટરમાં ફેલાયેલો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. ગુરદાસપુર, અમૃતસર, ફાઝિલ્કા, કરૂરથલા અને માનસા જેવા જિલ્લાઓમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. આ પરિસ્થિતિને જોતાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને પંજાબને શક્ય તેટલી મદદ કરવા માટે અપીલ કરી છે.