ખેલ મહાકુંભ ૨૦૨૫ માટે રજિસ્ટ્રેશન શરૂ: યુવાનોને રમતગમત ક્ષેત્રે નામ રોશન કરવાની તક.
ગુજરાત સ્પોર્ટ્સ ઑથોરિટી દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં રસ ધરાવતા ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર સુધી ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યના યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા અને તેમને પોતાની પ્રતિભા દર્શાવવા માટે દર વર્ષે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે.
આ ખેલ મહાકુંભમાં શાળા, કૉલેજ અને ઓપન કેટેગરીના ખેલાડીઓ ભાગ લઈ શકે છે. સ્પર્ધા માટે અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ જેવા વિવિધ વયજૂથ નક્કી કરવામાં આવ્યા છે. રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૨૨ સપ્ટેમ્બર, સાંજે ૬ વાગ્યા સુધીની છે.
આ વખતે ખેલ મહાકુંભમાં દોડ, સ્વિમિંગ, એથ્લેટિક્સ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, ચેસ, યોગાસન, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી અને જુડો સહિતની અનેક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ વિગતો માટે ખેલાડીઓ ગુજરાત ખેલ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ khelmahakumbh.gujarat.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.