નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો વિરોધ હિંસક: પ્રદર્શનકારી પર ગોળીબાર
નેપાળની રાજધાની કાઠમંડુમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના વિરોધમાં થયેલા દેખાવો હિંસક બન્યા છે. હજારોની સંખ્યામાં Gen-Z યુવાનોએ સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં સુરક્ષાદળો સાથે ઘર્ષણ થયું, જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું અને ૮૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે ૪ સપ્ટેમ્બરથી ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને X સહિત ૨૬ સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો. આ નિર્ણયના વિરોધમાં કાઠમંડુના વિવિધ શહેરોમાંથી હજારો યુવાનોએ રસ્તા પર ઉતરીને ‘Gen-Z રિવોલ્યૂશન’ શરૂ કર્યું છે. તેઓ સરકાર પર નાગરિકોની આઝાદી છીનવી લેવાનો આરોપ લગાવી રહ્યા છે.
આંદોલનકારીઓ સંસદ ભવનમાં ઘૂસી જતાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને ગોળીબાર પણ કર્યો, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કલાકો સુધી ફોન અને ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી હતી, જેનાથી લોકોની મુશ્કેલી વધી હતી.