રાષ્ટ્રીય

ઈથેનોલ બ્લેન્ડ પેટ્રોલનો વિવાદ: નીતિન ગડકરીએ રાજકીય ષડયંત્રનો આરોપ લગાવ્યો

દેશભરમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)ના ઉપયોગને લઈને ચર્ચા ગરમ છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર ફરિયાદ કરી છે કે, આ ફ્યુલના કારણે વાહનોનું માઈલેજ અને પર્ફોર્મન્સ ઘટ્યું છે. આ મુદ્દે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે, આ તેમની વિરુદ્ધ રાજકીય ષડયંત્રનો ભાગ છે. દિલ્હીમાં સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના 65મા વાર્ષિક સંમેલનમાં ગડકરીએ જણાવ્યું કે, E20 પેટ્રોલ, જેમાં 20% ઈથેનોલ મિશ્રિત હોય છે, તેના વિશે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ બધું પૈસા ચૂકવીને ચલાવવામાં આવેલી રાજકીય ઝુંબેશનો ભાગ છે, જેનો હેતુ તેમને બદનામ કરવાનો છે.E20 પેટ્રોલ એ પરંપરાગત પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રિત કરીને બનાવવામાં આવે છે. આ પ્રકારનું ફ્યુલ પર્યાવરણને અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ ઘણા વાહનચાલકોનો દાવો છે કે, આ ફ્યુલથી તેમના વાહનોની કામગીરી પર નકારાત્મક અસર પડી છે. લોકોની ફરિયાદોમાં મુખ્યત્વે માઈલેજ ઘટવું અને વાહનોની કાર્યક્ષમતા ઓછી થવાનો ઉલ્લેખ છે. આ ફરિયાદો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ, જેના કારણે E20 પેટ્રોલની ગુણવત્તા પર સવાલો ઉભા થયા. ગડકરીએ આ બધાને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ફગાવી દીધું છે. ગડકરીના નિવેદન બાદ આ મુદ્દે ચર્ચા વધુ તીવ્ર બની છે. સરકાર અને ઓટોમોબાઈલ ઉદ્યોગ હવે E20 પેટ્રોલના ફાયદા અને ગેરફાયદા વિશે લોકોને વધુ જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિવાદનો ઉકેલ આવતા દિવસોમાં કેવો આકાર લે છે, તે જોવું રહ્યું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *