૫૦૦ પોલીસના બંદોબસ્ત વચ્ચે સાબરમતી નદીના કાંઠે ૭૦૦ મકાનો તોડી પાડવામાં આવ્યા
ગાંધીનગર: રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ અમદાવાદ અને અન્ય જિલ્લાઓ બાદ હવે પાટનગર ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મેગા ઓપરેશન શરૂ કર્યું છે. આજે વહેલી સવારથી ૫૦૦થી વધુ પોલીસ જવાનોના કાફલાની હાજરીમાં સાબરમતી નદીના કાંઠે આવેલા ૭૦૦થી વધુ કાચા-પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. આ દબાણો જીઈબી, પેથાપુર અને ચરેડી જેવા વિસ્તારોમાં હતા.
સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, તંત્રની આ કાર્યવાહી સામે નાગરિકોમાં ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. લોકોનું કહેવું છે કે, તંત્ર માત્ર ગરીબ પરિવારોના આશરા છીનવી રહ્યું છે, જ્યારે ગાંધીનગરને ‘અન-પ્લાન્ડ’ બનાવનાર મોટા કોમર્શિયલ બાંધકામો અને સેક્ટરોમાં થયેલા પાકા દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.