અમદાવાદમાં ₹૫૦ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો: SOGએ બે આરોપીઓની ધરપકડ કરી
અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) એ નિકોલ વિસ્તારમાંથી એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. SOGએ બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી આશરે ₹૫૦ લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો છે. આ મામલે પોલીસે મુખ્ય સપ્લાયર સહદેવની શોધખોળ શરૂ કરી છે.
SOGને મળેલી બાતમીના આધારે, પોલીસે રાખડીયાળના ધરણીધર એસ્ટેટ પાસે બે વ્યક્તિઓને રોક્યા. તેમની પાસેથી ૫૦૦ ગ્રામ હાઇ-પોટેન્સી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો. પકડાયેલા આરોપીઓની ઓળખ પ્રતીક કુમાવત અને રવિ પટેલ તરીકે થઈ છે. પોલીસે તેમની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતીક કુમાવત સી.જી. રોડ પર એક માર્કેટિંગ ફર્મમાં કામ કરે છે, જ્યારે રવિ પટેલ સુરતની એક પ્રિન્ટિંગ કંપનીમાં નોકરી કરે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રવિ પટેલ ગાંજાનું નિયમિત સેવન કરે છે, અને આ આદતને કારણે જ તે આ નેટવર્કમાં જોડાયો હતો.