દેશભરમાં ૭૮ લાખ થી વધુ EPS-95 આધારીત પેન્શનરોની દયનીય સ્થિતિ
• ગુજરાતમાં ૪ લાખ EPS-95 આધારીત પેન્શનરોને માત્ર ૧૨૦૦/- જેટલું નજીવું પેન્શન મળી રહ્યું છે.
• EPS-95 હેઠળ મળતું પેન્શન ઓછામાં ઓછું રૂ. ૧૦,૦૦૦ પ્રતિ મહિનો કરવામાં આવેઃ કોંગ્રેસ
દેશભરમાં ૭૮ લાખ થી વધુ EPS-95 આધારીત પેન્શનરો દયનીય રીતે જીવી રહ્યાં છે. ગુજરાતમાં ૪ લાખ EPS-95 આધારીત પેન્શનરોને માત્ર ૧૨૦૦/- જેટલું નજીવું પેન્શન મળી રહ્યું છે. ત્યારે, EPS-95 ના પેન્શનરોને લઘુત્તમ ૧૦,૦૦૦ રૂ. પેન્શન આપવા અને સુપ્રિમકોર્ટના ચુકાદાનું સંપૂર્ણ અમલ કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશમાં અને ગુજરાતમાં પેન્શનરોની દયનીય સ્થિતિ સામે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર મૌન છે. એમ્પ્લોય પેન્શન સ્કીમ-95 જેમાં કર્મચારીના ૧૦ ટકા, જે એકમમાં કામ કરતા હોય તેના ૧૦ ટકા અને કેન્દ્ર સરકારના ૧.૧૬ ટકાનું યોગદાન હોય છે. રૂ. ૧૨૦૦/- થી ૧૫૦૦ જેટલી નજીવી રકમને લીધે નિવૃત્ત પેન્શનરોને જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ઉંમર સાથે વધતા જતા આરોગ્યના પ્રશ્નો, વધતી જતી મોંઘવારી સામે અન્ય પર આધારિત રહેવા મજબૂર બન્યા છે. EPFO પાસે ૩૦,૦૦૦ કરોડ જેટલી Unclaimed રકમ પડી રહી છે, બીજી બાજુ પેન્શનરો નજીવી રકમમાં આર્થિક – શારીરિક અને માનસિક હાલાકી ભોગવી રહ્યાં છે. ૭૮ લાખ પેન્શનરોમાંથી ૪૫ લાખ કરતા વધુ પેન્શનરોને માસિક રૂ. ૧૫૦૦/- થી ઓછું પેન્શન મળી રહ્યું છે. પેન્શન યોજના પાછળ નો હેતુ નાણાંકીય સુરક્ષા સામાજિક સુરક્ષાનો છે. કેન્દ્રના કુલ ૭૮ લાખ પેન્શનરો અને ગુજરાતના ૪ લાખ પેન્શનરોને લઘુત્તમ ૧૦,૦૦૦ રૂ. પેન્શન આપવા કોંગ્રેસપક્ષની માંગ છે. સમગ્ર દેશના ૭૮ લાખ અને ગુજરાતના ૪ લાખ પેન્શનરોને ન્યાય મળે અને તેઓને સન્માન સાથે સામાજિક અને નાણાંકીય સુરક્ષા માટે લઘુત્તમ ૧૦,૦૦૦ રૂ. પેન્શન મળે તે માટે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ અને લોકસભાના સાંસદશ્રીમતિ ગેનીબેન ઠાકોર નાણાં મંત્રાલય અને શ્રમ મંત્રાલયને રજુઆત કરશે.
EPS-95 (Employees’ Pension Scheme 1995) હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓની હાલત અત્યંત દયનીય બની છે. ખાસ કરીને, આશરે ૭૮ લાખ પેન્શનરોને માત્ર રૂ. ૧,૨૦૦ થી રૂ. ૧,૫૦૦ સુધીની પેન્શન મળે છે, જે આજના સમયગાળામાં જીવન નિર્વાહ માટે પૂરતી નથી. વધતી મોંઘવારી, દવાઓના ખર્ચ અને રોજિંદા જીવન ખર્ચ સામે આવા અતિ ઓછા પેન્શનમાં જીવવું અત્યંત મુશ્કેલ છે. ઘણા પેન્શનરો ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે, પણ આર્થિક તકલીફોને લીધે યોગ્ય સારવાર પણ લઈ શકતા નથી.
EPS-95 પેન્શનરો માટે કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવે છે કે, EPS-95 હેઠળ મળતી ઓછીમાં ઓછી પેન્શન રૂ. ૧૦,૦૦૦ પ્રતિ મહિનો કરવામાં આવે. EPS-95 પેન્શનરોને મેડિકલ સહાય અને મોંઘવારી ભથ્થું (DA) મળવું જોઈએ. સુપ્રીમ કોર્ટે આપેલા ઉંચી પેન્શન સંબંધિત આદેશોની તાત્કાલિક અમલવારી કરવામાં આવે. પેન્શનરો માટે ફાસ્ટ ટ્રેક તાત્કાલિક ફરિયાદ નિવારણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે.
પેન્શનરો એ જીવનના શ્રેષ્ઠ વર્ષો દેશમાં કામ કરીને પસાર કર્યા છે. હવે તેમનું જીવન ગૌરવપૂર્ણ અને સન્માન સાથે જીવી શકે. તે માટે સરકાર અને EPFOની જવાબદારી છે. ત્યારે ભાજપ સરકાર સંવેદના દાખવીને ૭૮ લાખ પેન્શનરોને સુપ્રિમકોર્ટના ચુકાદા મુજબ જીવન જીવવાનો ન્યાયપૂર્ણ અધિકાર આપે.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા